ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનો જીવનદર્શન. (3)

  • પરિચય : –
  • ઝવેરચંદ કાલિદાસ મેઘાણી (૨૮ ઑગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭) ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લેખક, નવલકથાકાર, પત્રકાર, લોકસાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હતા. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ કલકત્તામાં એક કંપનીમાં નોકરી કરી, પરંતુ વતન અને ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રત્યેના અનન્ય પ્રેમને કારણે તેઓ ગુજરાત પરત આવ્યા અને સાહિત્યસેવામાં જીવન સમર્પિત કર્યું.
  • ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે-ગામડે ફરીને લોકગીતો, લોકવાર્તાઓ, દુહાઓ, ભજનો, રાસડા અને લોકકથાઓનું સંકલન કર્યું. તેમના આ અવિસ્મરણીય કાર્યને કારણે તેઓ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે ગુજરાતી લોકસંસ્કૃતિને જાળવવામાં અને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
  • મહાત્મા ગાંધીના વિચારો અને રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈ તેઓ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય રહ્યા. તેમના દેશભક્તિપૂર્ણ લેખો અને ગીતોને કારણે તેમને બ્રિટિશ સરકારે જેલમાં પણ મોકલ્યા હતા. જેલમાં રહેતાં પણ તેમણે સાહિત્યસર્જન ચાલુ રાખ્યું.
  • તેમની મુખ્ય કૃતિઓમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’, ‘ચૂંદડી’, ‘માનસાઈના દીવા’, ‘કલમ અને કિતાબ’, ‘વેવિશાળ’, ‘તુલસીક્યારો’ વગેરેનો સમાવેશ થાય છે. તેમની ભાષા સરળ, ભાવસભર અને લોકજીવનની સુગંધથી ભરપૂર છે.
  • ઝવેરચંદ મેઘાણીનું અવસાન ૯ માર્ચ ૧૯૪૭ના રોજ થયું હતું. ગુજરાતી સાહિત્ય, લોકસંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય અને અવિસ્મરણીય છે. આજે પણ તેઓ ગુજરાતી ભાષાના અમર સર્જક અને લોકસાહિત્યના મહાન સંશોધક તરીકે આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.
  • પૂરું નામ : –       ઝવેરચંદ કાલીદાસ મેઘાણી
  • જન્મ તારીખ :-   28 ઑગસ્ટ, 1896
  • જન્મસ્થળ :-     ચોટીલા, સૌરાષ્ટ્ર (હાલ: સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત)
  • અવસાન: – તારીખ 9 માર્ચ, 1947
  • અવસાન સ્થળ :- બોટાદ, ગુજરાત
  • વ્યવસાય : –       કવિ, લેખક, પત્રકાર, લોકસાહિત્ય સંશોધક અને સ્વાતંત્ર્યસેનાની
  • ઉપાધિ: – રાષ્ટ્રીય શાયર
  • ભાષા: –  ગુજરાતી
  • શિક્ષણ: –  બી.એ. (અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે)
  • મુખ્ય કાર્યક્ષેત્ર : – લોકસાહિત્યનું સંશોધન, કવિતા, નવલકથા, વાર્તા, જીવનચરિત્ર અને પત્રકારત્વ
  • પ્રસિદ્ધ કૃતિઓ : –   સૌરાષ્ટ્રની રસધાર, માણસાઈના દીવા, સોરઠ તારાં વહેતાં પાણી, વેવિશાળ, તુલસીક્યારો, રવીન્દ્રવીણા
  • પ્રસિદ્ધ અખબારો: – સૌરાષ્ટ્ર, ફૂલછાબ અને જન્મભૂમિ
  • મુખ્ય યોગદાન: – સૌરાષ્ટ્રના લોકગીતો, લોકવાર્તાઓ અને લોકસાહિત્યનું સંશોધન અને સંરક્ષણ
  • મળેલા સન્માન:- રણજિતરામ સુવર્ણચંદ્રક (1928), ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ
  • ગુજરાતી સાહિત્યમાં સ્થાન: –  ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી સર્જક અને સંશોધક તરીકે જાણીતા છે.
ગુજરાતી સાહિત્યકાર : ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનો જીવનદર્શન

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લેખક, પત્રકાર, લોકસાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હતા. તેમનો જન્મ 28 ઑગસ્ટ, 1896ના રોજ સૌરાષ્ટ્રના ચોટીલા ખાતે થયો હતો.

જન્મસ્થળ: ચોટીલા, સૌરાષ્ટ્ર (હાલ: સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત)

પિતાનું નામ: કાલીદાસ દેવચંદ મેઘાણી

માતાનું નામ: ધોળીબા (ધોળીમા)

મૂળ વતન: બગસરા (જિલ્લો: અમરેલી)

ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનું બાળપણ : –

ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનું શિક્ષણ:-

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા અને અમરેલીમાં મેળવ્યું. 1912માં અમરેલીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે *બી.એ.*ની પદવી પ્રાપ્ત કરી. વિદ્યાર્થી જીવનમાં વાંચન, કવિતા અને સાહિત્યમાં વિશેષ રસ હતો. શાળાકાળથી જ લેખન અને વક્તૃત્વમાં પ્રતિભા દેખાવા લાગી હતી. શિક્ષણ દરમિયાન સ્વદેશી ચળવળ અને રાષ્ટ્રીય વિચારોનો પ્રભાવ તેમના જીવન પર પડ્યો.

ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનું ગૃહજીવન : –

ઝવેરચંદ મેઘાણીનું ગૃહજીવન અત્યંત સુખી, સરળ અને સંસ્કારસભર હતું. વર્ષ 1923–24 દરમિયાન તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. પરિવાર પ્રત્યે તેમની ખૂબ લાગણી હતી, છતાં તેમનું મન હંમેશાં લોકસાહિત્ય અને સમાજસેવામાં જોડાયેલું રહેતું.

ઘરમાં રહેતા હોવા છતાં તેઓ સતત સર્જન, લેખન અને લોકજીવનના અભ્યાસમાં વ્યસ્ત રહેતા. તેમની પત્ની દમયંતીબેન તેમના કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપતી હતી. મેઘાણી પોતાના પરિવારને સમય આપતા અને સાથે સાથે સમાજ પ્રત્યેની ફરજ પણ નિભાવતા.

તેમનું ગૃહજીવન પ્રેમ, જવાબદારી, સાદગી, આત્મીયતા અને મહેમાનગતિ જેવા ગુણોથી સમૃદ્ધ હતું. આ ગુણો તેમના વ્યક્તિત્વમાં જ નહીં, પરંતુ તેમની કૃતિઓમાં પણ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનું કલકત્તા આગમન અને નોકરીની શરૂઆત : –

૧. નોકરીની શરૂઆત :– મોટા ભાઈ લાલચંદભાઈ બીમાર પડતાં ૧૫ દિવસની રજા લઈને મેઘાણીજી કલકત્તા ગયા હતા.

જીવણલાલ લિમિટેડ :– કલકત્તામાં સ્થિત ‘જીવણલાલ લિમિટેડ’ (એલ્યુમિનિયમ કંપની)ના સ્વજનો અને ભાગીદારોએ તેમને ત્યાં જ રોકી લીધા.

હોદ્દો અને પગાર :-રૂ. ૧૫૦ના પગારથી શરૂઆત થઈ, જ્યાં શરૂઆતમાં તેમને ઓફિસનું કામ અને પાછળથી કારખાનાના વિસ્તારણ બાદ મૅનેજર જેવું જવાબદારીભર્યું સ્થાન સોંપવામાં આવ્યું.

૨. દિનચર્યા અને કારીગરો સાથેનો સંબંધ :-

પઘડીબાબુ :- કારખાનાના કારીગરો તેમને પ્રેમથી ‘પઘડીબાબુ’ તરીકે ઓળખતા.

શિસ્તબદ્ધ જીવન :- તેઓ સવારે ૫ વાગે ઊઠી, સાયકલ અને હોડી (નદી પાર કરીને) મારફતે બરાબર સવારે ૭ વાગે કારખાને પહોંચી જતા.

નિષ્ઠાવાન સ્વભાવ :- કારીગરો સાથે તેમનો સંબંધ અત્યંત મીઠો હતો. કારીગરોની ભૂલો માટે તેઓ પોતે શીખ આપતા અથવા લોટો-થાલો પોતે સાફ કરીને મૂંગો બોધપાઠ આપતા.

મોટી જવાબદારી:- કારખાનામાં ૬૦૦-૭૦૦ કારીગરો કામ કરતા, અને પરદેશથી આવતા માલ-પતરાંથી લઈને સરકારી ઓર્ડર પૂરા કરવાનો હિસાબ મેઘાણીજી રાખતા.

૩. સાહિત્ય, ભાષા અને સંસ્કાર : –

બંગાળી ભાષા:- સાયકલ પર જતી વખતે દુકાનોના પાટિયાં વાંચીને અને કારીગરો સાથે વાતચીત કરીને તેમણે સ્વપ્રયત્ને બંગાળી ભાષા શીખી લીધી.

રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ :- તેઓ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાઓ, કાવ્યો અને નાટકો વાંચતા. સમય મળતાં શાંતિનિકેતન (બોલપુર) જઈને ‘વર્ષામંગલ’ ઉત્સવ માણતા અને ટાગોરના સંપર્કમાં આવતા.

બ્રહ્મસમાજ: – દર રવિવારે બ્રહ્મસમાજની સભામાં હાજરી આપતા અને સંગીત તથા નાટકોનો આનંદ માણતા. આ દરમિયાન જ તેમણે ‘દીવડો ઝાંખો બળે’ કાવ્ય લખ્યું હતું.

૪. વિલાયત (ઇંગ્લેન્ડ) પ્રવાસ અને આગળનું આયોજન :-

૧૯૧૯નો પ્રવાસ :- ૧૯૧૯માં જીવણલાલભાઈ સાથે તેઓ આશરે ચાર મહિના માટે વિલાયત (ઇંગ્લેન્ડ) ગયા હતા.

વિલાયતનો અનુભવ :- ત્યાંના સુઘડ, સ્વચ્છ અને શિસ્તબદ્ધ જીવનથી તેઓ ખૂબ પ્રભાવિત થયા.

આશ્રમજીવનની યોજના :- ઇંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ તેમણે કલકત્તા છોડીને કાઠિયાવાડ (ભાવનગર) તરફ જઈ પોતાના મિત્રો (ગુલાબચંદભાઈ, ગિરધરભાઈ, વાજસુર વાળા) સાથે મળી ખેતી, વેપાર અને સાહિત્યને મહત્વ આપતી એક આશ્રમજીવનની યોજના વિચારી હતી.)

કલકત્તાનો સમય અને કાઠિયાવાડનો સાદ (‘લિ. હું આવું છું’):-
નોકરી અને મનનું ખેંચાણ: ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેમણે અઢી-ત્રણ વર્ષ કલકત્તામાં નોકરી કરી, પરંતુ તેમનું મન ત્યાં લાગતું નહોતું અને કાઠિયાવાડ તેમને સતત બોલાવી રહ્યું હતું. જાણીતો પત્ર (૧૮ સપ્ટેમ્બર ૧૯૨૧): ૨૫ વર્ષની ઉંમરે તેમણે પોતાના એક મુરબ્બી મિત્રને પત્ર લખ્યો, જેમાં તેમણે વતનની માટી અને તેના વાતાવરણનો ગંભીર સાદ સંભળાતો હોવાનો ઉલ્લેખ કર્યો અને છેલ્લે લખ્યું: ‘લિ. હું આવું છું.’

ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીની ગિરફતારીના કારણો અને ગાંધીજીનો પ્રતિભાવ : –

બરવાળામાં ઉશ્કેરણીજનક ભાષણ :– બરવાળામાં એક દિવસ વજુભાઈ દવેએ ભાષણ કર્યું હતું. પરંતુ સરકારી પોલીસ વજુભાઈને ઓળખતી ન હોવાથી અને ત્યાંના મુખ્ય સંચાલક મનુભાઈ જોધાણી હોવાથી પોલીસે એ ભાષણ મનુભાઈના નામે ચડાવી દીધું.

મનુભાઈ સામે વોરન્ટ :- વડી કચેરીના અમલદારને લાગ્યું કે મનુભાઈ સામે તો પહેલાંથી જ વોરન્ટ છે, તેથી તેઓ આ ભાષણ ન કરી શકે.

ખોટી ધારણા અને વોરન્ટ:– અમલદારોએ એવી ધારણા બાંધી કે આ ભાષણ કરનાર મનુભાઈ જોધાણી નહીં પરંતુ ઝવેરચંદ મેઘાણી હોવા જોઈએ. આથી પરિણામે મેઘાણીભાઈના નામનું વોરન્ટ છૂટ્યું.

ખોટી રીતે સંદોવણી:- ઇન્સ્પેક્ટરે બરવાળામાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાના ગુનામાં મેઘાણીજીને ખોટી રીતે સંદોવીને એમની ગિરફતારી કરી.

વિશેષ નોંધ (મેઘાણીજીનો બચાવ) : –

મેઘાણીજીએ પોતે કહ્યું હતું કે તેમણે બરવાળામાં ક્યારેય એવું ભાષણ કર્યું જ નહોતું. જે દિવસે અને જે સમયે તેમના પર ભાષણ કરવાનો આક્ષેપ મુકાયો હતો, તે સમયે તેઓ રાણપુરમાં પોતાના ઘરે ઘસઘસાટ ઊંઘતા હતા.

ગાંધીજીનો પ્રતિભાવ અને લોર્ડ ઈરવિનને પત્ર : –

સમગ્ર દેશમાં પડઘા:– આ ખોટી ગિરફતારીની ઘટનાના પડઘા સમગ્ર ભારતભરમાં પડ્યા અને ગાંધીજીને પણ આ વિગતની ખબર પડી.

લોર્ડ ઈરવિનને પત્ર:-ગાંધીજીએ વાઈસરોય લોર્ડ ઈરવિનને પત્ર લખીને આ અન્યાય સામે વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીના કારાવાસ (જેલવાસ) :-
  • ધરપકડ અને કેસ:– ૧૯૩૦માં બ્રિટિશ સરકારે મેઘાણીજી પર સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરવાનો આરોપ મૂક્યો અને કેસ ચલાવ્યો. અદાલતમાં ગીત અને વાતાવરણ:- ન્યાયાધીશ ઈસાણીની રજા લઈને તેમણે અદાલતમાં હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ… ગીત ગાયું. આ ગીત સાંભળીને અદાલતમાં હાજર સૌ કોઈની આંખો રડી પડી હતી અને ન્યાયાધીશની આંખ પણ ભીની થઈ હતી.
  • જેલની સજા:- મેઘાણીજીને આ કેસમાં બે વર્ષની જેલની સજા થઈ હતી.
  • સાથી નેતાઓ:– તેમની સાથે જેલવાસ દરમિયાન વલ્લભભાઈ પટેલ, અમૃતલાલ શેઠ, દરબાર ગોપાળદાસ અને ભાવસાહેબ વગેરે જેવા દેશભક્ત નેતાઓ પણ હતા.
  • જેલવાસનું સર્જન (‘જેલઑફિસની બારી’): આ જેલવાસના પરિણામરૂપે આપણને એમનું જાણીતું પુસ્તક ‘જેલઑફિસની બારી’ મળ્યું.
  • અંગત જીવન :- ૧૯૨૨માં જેતપુરના દમયંતીબહેન સાથે લગ્ન થયાં. ૧૯૩૩માં દમયંતીબહેનનું અવસાન થતાં ૧૯૩૪માં તેમણે ચિત્રાદેવી સાથે બીજાં લગ્ન કર્યાં.

ગુજરાતી સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણીનું અવસાન :-
9 માર્ચ, 1947ના રોજ બોટાદ ખાતે તેમનું અવસાન થયું, પરંતુ ગુજરાતી ભાષા, લોકસાહિત્ય અને રાષ્ટ્રીય ચેતના માટેનું તેમનું યોગદાન આજે પણ અવિસ્મરણીય છે. ઝવેરચંદ મેઘાણીનું સમગ્ર જીવન પરિશ્રમ, લોકપ્રેમ, સંવેદના અને સાહિત્યસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.

ઝવેરચંદ મેઘાણીનું સમગ્ર સાહિત્યિક પ્રદાન આપણી ગુજરાતી ભાષા માટે અણમોલ વારસો છે.

સૌરાષ્ટ્ર’ પત્ર અને પત્રકારત્વ :-
‘ચોરાનો પોકાર’ :- કલકત્તા છોડીને આવ્યા પછી તેમણે ‘ચોરાનો પોકાર’ લેખ લખીને ‘સૌરાષ્ટ્ર’ પત્ર માટે અમૃતલાલ શેઠને મોકલ્યો. આ લેખ વાંચીને અમૃતલાલ શેઠ સ્તબ્ધ થઈ ગયા હતા.
તંત્રીમંડળમાં પ્રવેશ:– આ લેખ પછી ૧૯૨૨માં તેઓ ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં જોડાયા અને જીવનના અંત સુધી પત્રકાર તરીકે સક્રિય રહ્યા.

ફૂલછાબ અને જન્મભૂમિ :-
પત્રકારત્વની સફર: ૧૯૩૪માં તેઓ ‘ફૂલછાબ’માં જોડાયા, ત્યારબાદ મુંબઈ આવી ‘જન્મભૂમિ’માં ‘કલમ અને કિતાબ’ નામનું સાહિત્ય પાનું ચલાવ્યું. ૧૯૩૬માં ફરી ‘ફૂલછાબ’ના તંત્રી બન્યા અને ૧૯૪૫માં નિવૃત્તિ લીધી.

બહુવિધ સાહિત્યિક સ્વરૂપોમાં ખેડાણ:-
વિવિધ ક્ષેત્રોમાં સર્જન: મેઘાણીજીએ માત્ર એક વિષય પૂરતા સીમિત ન રહેતાં કવિતા, ટૂંકી વાર્તાઓ (નવલિકા), એકાંકી, લોકસાહિત્ય, પત્રકારત્વ, વિવેચન, ઇતિહાસ, જીવનકથા, પ્રવાસ, પત્રલેખન, વ્યાખ્યાન અને નિબંધ જેવા સાહિત્યના અનેક અંગોમાં સફળ ખેડાણ કર્યું છે.
સફળ અનુવાદક: તેમણે રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યો અને દ્વિજેન્દ્રલાલ રોયના નાટકોના ખૂબ જ સુંદર અને આસ્વાદ્ય અનુવાદો ગુજરાતી પ્રજાને આપ્યા છે.

લોકસાહિત્યનું સંપાદન, સંશોધન અને રક્ષણ:-
મુખ્ય પાયાનું પ્રદાન: મેઘાણીજીનું સૌથી મોટું અને અમર યોગદાન લોકસાહિત્યનું સંશોધન-સંપાદન છે. તેમણે સૌરાષ્ટ્રની ધીંગી ધરતી ખૂંદીને ચારણો, બારોટો, સ્ત્રીઓ અને ભજનિકોના કંઠે સચવાયેલું સાહિત્ય પરિશ્રમપૂર્વક એકઠું કર્યું.
વિવિધ અંગોનું પ્રકાશન: તેમણે લોકકથાઓ, વ્રતકથાઓ, સંતવાણી, લગ્નગીતો, હાલરડાં અને ઋતુગીતો જેવા મૂલ્યવાન વારસાને ગ્રંથસ્થ કર્યો.

વાર્તાકાર અને નવલિકાકાર તરીકે : –
‘સૌરાષ્ટ્રની રસધાર’: લોકકથાઓને પોતાની આગવી કળાત્મક શૈલી આપીને તેમણે આ ગ્રંથ શ્રેણી દ્વારા અમર વાર્તાઓ રજૂ કરી.
આગવી ભાષાશૈલી: તેમની વાર્તાઓમાં સોરઠી તળપદી ભાષાનો બળકટ ઉપયોગ, જીવંતતા અને વેગીલો પ્રવાહ જોવા મળે છે.
સામાજિક ચેતના: તેમણે વાર્તાઓ દ્વારા સમાજમાં રહેલા દંભ, કુરિવાજો અને પોકળતા સામે આક્રોશ વ્યક્ત કરીને માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરી.

નવલકથાકાર તરીકેનું પ્રદાન : –
પ્રથમ અને અંતિમ કૃતિ: તેમની પ્રથમ નવલકથા ‘સત્યની શોધમાં’ અને આખરી નવલકથા ‘કાળચક્ર’ હતી.
લોકપ્રિય સાહિત્ય: આ બંનેની વચ્ચે તેમણે બીજી ૧૧ જેટલી અત્યંત લોકપ્રિય નવલકથાઓ રચી.

રસજ્ઞ વિવેચક અને સાહિત્યિક કટારલેખક:-
વિવેચનનો પ્રારંભ: ૧૯૨૫માં ‘ત્રણ બંગાળી શાયરો’ લેખથી વિવેચનાત્મક લેખનની શરૂઆત કરી.
જાણીતી કટારો અને ગ્રંથો: ‘જન્મભૂમિ’માં ૮ વર્ષ સુધી ‘કલમ અને કિતાબ’ કટાર ચલાવી.’શારદા’ પત્રિકામાં ‘સાહિત્યના સૂર’ કટાર લખી. ‘ફૂલછાબ’ના લેખોમાંથી ‘પરિભ્રમણ’ (ત્રણ ભાગ) જેવો વિવેચન ગ્રંથ પ્રગટ થયો.
પ્રજાભિમુખ દ્રષ્ટિ: તેમની વિવેચના અઘરી કે પંડિતીય નહોતી, પણ સામાન્ય વાચક સમજી શકે તેવી રસજ્ઞ હતી. લોકો તેમના અવલોકન વાંચીને જ પુસ્તકો ખરીદતા!

વિશ્વ સાહિત્યનો પરિચય: ‘ઘર દીવડાં’ વિભાગ દ્વારા સાહિત્યકારોનો પરિચય કરાવ્યો અને પરદેશી સાહિત્યિક વાનગીઓ પણ પીરસી.

લોકકથાઓ :-(ગ્રંથ) પ્રકાશન વર્ષ
૧. ડોશીમાની વાતો : ૧૯૨૩
૨. સૌરાષ્ટ્રની રસધાર-૧ : ૧૯૨૩
૩. સૌરાષ્ટ્રની રસધાર-૨ : ૧૯૨૪
૪. સૌરાષ્ટ્રની રસધાર-૩ : ૧૯૨૫
૫. સૌરાષ્ટ્રની રસધાર-૪ : ૧૯૨૬

૬. સૌરાષ્ટ્રની રસધાર-૫ : ૧૯૨૭
૭. સોરઠી બહારવટિયા-૧ : ૧૯૨૭
૮. કંકાવટી-૧ : ૧૯૨૭
૯. દાદાજીની વાતો : ૧૯૨૭
૧૦. સોરઠી બહારવટિયા-૨ : ૧૯૨૮
૧૧. કંકાવટી-૨ : ૧૯૨૮
૧૨. સોરઠી સંતો : ૧૯૨૮
૧૩. સોરઠી બહારવટિયા-૩ : ૧૯૨૯
૧૪. સોરઠી ગીતકથાઓ : ૧૯૩૧
૧૫. પુરાતન જ્યોત : ૧૯૩૮
૧૬. રંગ છે બારોટ : ૧૯૪૫

લોકગીતો :-

લોકસાહિત્ય વિવેચન : –

પુસ્તકનું નામ : પ્રકાશન વર્ષ

૧. લોકસાહિત્ય-૧ : ૧૯૩૯
૨. લોકસાહિત્ય – પગદંડીનો પથ : ૧૯૪૨
૩. ચારણો અને ચારણી સાહિત્ય : ૧૯૪૩
૪. ધરતીનું ધાવણ (લોકસાહિત્ય-૨) : ૧૯૪૪
૫. લોકસાહિત્યનું સમાલોચન : ૧૯૪૬


લોકસાહિત્યની ખેપો :-

૧. સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં : ૧૯૨૮
૨. સોરઠને તીરે તીરે : ૧૯૩૩


ક્ષેત્રપ્રવાસની નોં;ધપોથીઓ :-

૧. પરકમ્મા : ૧૯૪૬
૨. છેલ્લું પ્રયાણ : ૧૯૪૭

કવિતા :- પુસ્તકનું નામ : પ્રકાશન વર્ષ
૧. વેણીનાં ફૂલ : ૧૯૨૮
૨. કિલ્લોલ : ૧૯૩૦
૩. સિંધુડો : ૧૯૩૦
૪. કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો : ૧૯૩૧
૫. પીડિતોનાં ગીતો : ૧૯૩૩
૬. યુગવંદના : ૧૯૩૫
૭. એકતારો : ૧૯૪૦
૮. બાપુનાં પારણાં : ૧૯૪૩
૯. રવીન્દ્રવીણા : ૧૯૪૪


વાર્તા : – ( * પરપ્રદીપ્ત, + પ્રતિનિધિ સંગ્રહો)
૧. કુર્બાનીની કથાઓ : ૧૯૨૨
૨. ચિતાના અંગારા-૧ : ૧૯૩૧
૩. ચિતાના અંગારા-૨ : ૧૯૩૧ (?)
૪. દરિયાપારના બહારવટિયા : *૧૯૩૨
૫. વર્તમાન યુગના બહારવટિયા : *૧૯૩૨
૬. જેલઑફિસની બારી : ૧૯૩૪
૭. પ્રતિમાઓ : *૧૯૩૪
૮. પલકારા : *૧૯૩૫
૯. ધૂપછાયા : ૧૯૩૫
૧૦. મેઘાણીની નવલિકાઓ-૧ : +૧૯૪૨
૧૧. મેઘાણીની નવલિકાઓ-૨ : +૧૯૪૨
૧૨. વિલોપન : ૧૯૪૬
નવલકથા :- ( * પરપ્રદીપ્ત, * ઐતિહાસિક)
૧. સત્યની શોધમાં : *૧૯૩૨
૨. નિરંજન : *૧૯૩૬
૩. વસુંધરાનાં વહાલાંદવલાં : *૧૯૩૭
૪. સોરઠ તારા વહેતાં પાણી : ૧૯૩૭
૫. સમરાંગણ : *૧૯૩૮
૬. અપરાધી : *૧૯૩૮
૭. વેવિશાળ : ૧૯૩૯
૮. રા’ ગંગાજળિયો : *૧૯૩૯
૯. બીડેલાં દ્વાર : *૧૯૩૯
૧૦. ગુજરાતનો જય-૧ : *૧૯૪૦
૧૧. તુલસીક્યારો : ૧૯૪૦
૧૨. ગુજરાતનો જય-૨ : *૧૯૪૨
૧૩. પ્રભુ પધાર્યા : *૧૯૪૩

નાટક :- પુસ્તકનું નામ : પ્રકાશન વર્ષ
૧. રાણો પ્રતાપ : ૧૯૨૩ ( અનુવાદિત)
૨. રાજારાણી : ૧૯૨૪ ( અનુવાદિત)
૩. શાહજહાં : ૧૯૨૭ ( અનુવાદિત)
૪. વંઠેલાં : ૧૯૩૪

જીવનકથા :- પુસ્તકનું નામ : પ્રકાશન વર્ષ

૧. બે દેશદીપક (એ જ ‘સત્યવીર શ્રદ્ધાનંદ’ અને ‘નરવીર લાલાજી’) : ૧૯૨૭
૨. ઠક્કરબાપા : ૧૯૩૯
૩. મરેલાંનાં રુધિર : ૧૯૪૨
૪. અકબરની યાદમાં : ૧૯૪૨
૫. આપણું ઘર : ૧૯૪૨
૬. પાંચ વરસનાં પંખીડાં : ૧૯૪૨
૭. આપણા ઘરની વધુ વાતો : ૧૯૪૩
૮. ઝંડાધારી દયાનંદ સરસ્વતી : ૧૯૪૪
૯. માણસાઈના દીવા : ૧૯૪૫
૧૦. વસન્ત-રજબ સ્મારકગ્રંથ : ૧૯૪૭
ઇતિહાસ, લેખ :- પુસ્તકનું નામ : પ્રકાશન વર્ષ

૧. એશિયાનું કલંક : ૧૯૨૩
૨. મરણિયું આયરલૅન્ડ : ૧૯૨૩
૩. હંગરીનો તારણહાર : ૧૯૨૭
૪. મિસરનો મુક્તિસંગ્રામ : ૧૯૩૦
૫. સળગતું આયરલૅન્ડ : ૧૯૩૧
૬. લાલ કિલ્લાનો મુકદ્દમો : ૧૯૪૬
૭. આપણા ઉંબરરાં (લેખ) : ૧૯૩૨
૮. વેરાનમાં (લેખ) : ૧૯૩૫
૯. ભારતનો મહાવીર પડોશી (લેખ) : ૧૯૪૨
૧૦. ધ્વજમિલાપ : ૧૯૪૩
૧૧. સાંબેલાં : ૧૯૪૩
૧૨. અજબ દુનિયા : ૧૯૪૩
૧૩. પરિભ્રમણ-૧ (સાહિત્યવિષયક) : ૧૯૪૪
૧૪. સાંબેલાંના સૂર : ૧૯૪૬
૧૫. પરિભ્રમણ-૨ (સાહિત્યવિષયક) : ૧૯૪૭
૧૬. પરિભ્રમણ-૩ (સાહિત્યવિષયક) : ૧૯૪૭

  • ૧૯૨૮માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો.
  • ૧૯૪૬માં મહીડા પારિતોષિક એનાયત થયું.
  • ૧૯૪૩માં મુંબઈ યુનિવર્સિટી આશ્રયે તેમણે ‘લોકસાહિત્યનું સમાલોચન’ વિષય પર લોકપ્રિય વ્યાખ્યાનો આપ્યા.
  1. ઝવેરચંદ મેઘાણી કોણ હતા?
    જવાબ: ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લેખક, પત્રકાર, લોકસાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હતા. તેઓ ગુજરાતી લોકસાહિત્યના મહાન સંશોધક તરીકે જાણીતા છે.
  2. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
    જવાબ: તેમનો જન્મ 28 ઑગસ્ટ, 1896ના રોજ ચોટીલા (હાલ સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત) ખાતે થયો હતો.
  3. ઝવેરચંદ મેઘાણીને “રાષ્ટ્રીય શાયર”નું બિરુદ કોણે આપ્યું?
    જવાબ: મહાત્મા ગાંધીજીએ તેમના રાષ્ટ્રપ્રેમ અને લોકજાગૃતિથી પ્રેરિત સાહિત્યને માન આપી તેમને “રાષ્ટ્રીય શાયર”નું બિરુદ આપ્યું હતું.
  4. ઝવેરચંદ મેઘાણીનું મુખ્ય યોગદાન શું છે?
    જવાબ: તેમણે સૌરાષ્ટ્રના લોકગીતો, લોકવાર્તાઓ અને લોકસંસ્કૃતિનું સંકલન કરીને ગુજરાતી લોકસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું.
  5. ઝવેરચંદ મેઘાણીની મુખ્ય કૃતિઓ કઈ કઈ છે?
    જવાબ: સૌરાષ્ટ્રની રસધાર, માણસાઈના દીવા, સોરઠ તારાં વહેતાં પાણી, વેવિશાળ, તુલસીક્યારો અને રવીન્દ્રવીણા તેમની જાણીતી કૃતિઓ છે.
  6. ઝવેરચંદ મેઘાણીનું બાળપણ ક્યાં પસાર થયું?
    જવાબ: પિતાની નોકરીને કારણે તેમનું બાળપણ ચોટીલા, રાજકોટ, દાઠા, પાલિયાડ, બગસરા, લાખાપાદર અને અમરેલી જેવા અનેક સ્થળોએ પસાર થયું.
  7. ઝવેરચંદ મેઘાણીએ શિક્ષણ ક્યાં મેળવ્યું?
    જવાબ: તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં મેળવ્યું અને ત્યારબાદ ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું.
  8. ઝવેરચંદ મેઘાણી કયા અખબારો સાથે જોડાયેલા હતા?
    જવાબ: તેઓ “સૌરાષ્ટ્ર”, “ફૂલછાબ” અને “જન્મભૂમિ” જેવા અખબારો સાથે પત્રકાર તરીકે જોડાયેલા હતા.
  9. ઝવેરચંદ મેઘાણીને કયો મહત્વનો પુરસ્કાર મળ્યો હતો?
    જવાબ: તેમને 1928માં ગુજરાતી સાહિત્યનું પ્રતિષ્ઠિત “રણજિતરામ સુવર્ણચંદ્રક” એનાયત કરવામાં આવ્યો હતો.
  10. ઝવેરચંદ મેઘાણીનું ગૃહજીવન કેવું હતું?
    જવાબ: તેમનું ગૃહજીવન સરળ, સંસ્કારસભર અને મહેમાનનવાજીથી ભરેલું હતું. તેઓ પરિવાર અને સમાજ બંને પ્રત્યે સમાન જવાબદારી નિભાવતા હતા.
  11. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યના સંશોધક કેમ કહેવાય છે?
    જવાબ: તેમણે ગામડાંઓમાં ફરીને લોકગીતો, લોકવાર્તાઓ અને લોકસંસ્કૃતિનું સંકલન કર્યું અને તેને પુસ્તક સ્વરૂપે સાચવી રાખ્યું.
  12. ઝવેરચંદ મેઘાણીનું અવસાન ક્યારે થયું?
    જવાબ: તેમનું અવસાન 9 માર્ચ, 1947ના રોજ બોટાદ ખાતે થયું હતું.
  13. ઝવેરચંદ મેઘાણીનું ગુજરાતી સાહિત્યમાં શું સ્થાન છે?
    જવાબ: તેઓ ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી સર્જક, સંશોધક અને રાષ્ટ્રીય ચેતનાના પ્રખર સાહિત્યકાર તરીકે જાણીતા છે.
  14. ઝવેરચંદ મેઘાણીના સાહિત્યની મુખ્ય વિશેષતા શું છે?
    જવાબ: તેમના સાહિત્યમાં લોકજીવન, માનવતા, રાષ્ટ્રપ્રેમ, પ્રકૃતિપ્રેમ, ગ્રામ્ય સંસ્કૃતિ અને સરળ ભાષાનો સુંદર સમન્વય જોવા મળે છે.
  15. આજે ઝવેરચંદ મેઘાણી શા માટે યાદ કરવામાં આવે છે?
    જવાબ: ગુજરાતી લોકસાહિત્યના સંરક્ષણ, રાષ્ટ્રપ્રેમી સાહિત્ય અને માનવતાના મૂલ્યોને જીવંત રાખવા માટે તેમનું યોગદાન આજે પણ પ્રેરણાદાયી છે.
  • ૧૮૯૬ : ઓગસ્ટની ૨૮મી તારીખે જન્મ.
  • ૧૯૧૨ : મેટ્રિક પાસ કર્યું.
  • ૧૯૧૬ : બી.એ. (અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે).
  • ૧૯૧૭ : કલકત્તા એલ્યુમિનિયમના કારખાનામાં જોડાયા.
  • ૧૯૧૯ : જીવણલાલભાઈ સાથે વિલાયત ગયા.
  • ૧૯૨૧ : સૌરાષ્ટ્રમાં આવ્યા.
  • ૧૯૨૨ : શ્રીમતી દમયંતીબહેન સાથે જેતપુર મુકામે લગ્ન.
  • ૧૯૨૨ : ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં જોડાયા.
  • ૧૯૨૬ : પત્રકારી જંજાળથી કંટાળી ભાવનગર ગયા.
  • ૧૯૨૯ : જ્ઞાનપ્રસારક મંડળના આશ્રયે છ વ્યાખ્યાનો આપ્યાં.
  • ૧૯૩૦ : ગિરફતાર થયા.
  • ૧૯૩૩ : દમયંતીબહેનનું બોટાદમાં અવસાન.
  • ૧૯૩૪ : મુંબઈ ‘જન્મભૂમિ’ દૈનિકનો સાહિત્ય વિભાગ ‘કલમ અને કિતાબ’ સંભાળ્યો.
  • ૧૯૩૪ : શ્રીમતી ચિત્રાટેવી સાથે લગ્ન.
  • ૧૯૩૬ : રાણપુર પાછા, ‘ફૂલછાબ’ના તંત્રીપદે જોડાયા.
  • ૧૯૪૧ : ટાગોરના નિમંત્રણને માન આપી શાંતિાનિકેતન ગયા.
  • ૧૯૪૧ : અમદાવાદના હિંદુ-મુસલમાન હુલ્લડ પ્રસંગે ‘ફૂલછાબ’માં આવેલા કાર્ટૂન માટે પકડવામાં આવ્યા.
  • ૧૯૪૨ : સરકારે ‘ફૂલછાબ’ જપ્ત કર્યું. પ્રેસને નિભાવવા ‘ફૂલછાબ પ્રકાશન શ્રેણી’ શરૂ કરી.
  • ૧૯૪૫ : ‘ફૂલછાબ’માંથી નિવૃત્તિ લીધી.
  • ૧૯૪૭ : ૯ મી માર્ચ, હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.

ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના એવા વિરલ સર્જક હતા જેમણે પોતાના જીવનને લોકસાહિત્ય, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના મૂલ્યોને સમર્પિત કર્યું. તેમણે સૌરાષ્ટ્રના ગામડાંઓમાં ફરીને લોકગીતો, લોકવાર્તાઓ અને લોકસંસ્કૃતિને એકત્રિત કરીને તેને અમર બનાવી. કવિ, લેખક, પત્રકાર અને સંશોધક તરીકે તેમણે ગુજરાતી ભાષાને અમૂલ્ય સાહિત્યિક વારસો આપ્યો. તેમના સાહિત્યમાં ગ્રામ્ય જીવનની સુગંધ, માનવતાની ઉષ્મા અને દેશપ્રેમની પ્રેરણા સ્પષ્ટપણે જોવા મળે છે.
આજે પણ તેમની કૃતિઓ વાચકોને પ્રેરણા આપે છે અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃતિના સંરક્ષણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મહાત્મા ગાંધીજીએ આપેલું ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ તેમના વ્યક્તિત્વ અને સાહિત્યસેવાની શ્રેષ્ઠ ઓળખ છે. ઝવેરચંદ મેઘાણીનું જીવન અને સાહિત્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહેશે.
“ઝવેરચંદ મેઘાણીએ માત્ર સાહિત્યનું સર્જન કર્યું નહોતું, પરંતુ ગુજરાતની લોકસંસ્કૃતિને શબ્દો દ્વારા અમર બનાવી હતી.”

સંદર્ભ ગ્રંથો : –

૧. ઝવેરચંદ મેઘાણી ; જોશી, ઉષા : ૧૯૯૧ ૨. ઝવેરચંદ મેઘાણી ; જાની, કનુભાઈ : ૧૯૯૩ ૩. આપણા પ્રતિનિધિ સારસ્વતો ; શુકલ, રમેશ મ. : ૧૯૮૯ ૪. ગરવા ગુજરાતી ; વ્યાસ, રજની : ૧૯૯૮

Leave a Comment